આઘ્યાત્મિક વિકાસ (#11021)

હે મારા ઈશ્વર, મારી ભકિતના આઘાર, મારા રાજા, મારી અભિલાષા ! તારો આભાર માની શકે એવી જિહ્વવા જ મારી પાસે કયા છે ! હું તો બેભાન હતો તેં મને જગાડયો. મેં તો તારા ભણી પીઠ વાળી દીઘી હતી; તેં જ દયા કરીને તારા તરફ જોવામાં મને મદદ કરી. હું તો મરેલા જેવો જ હતો; તેં જ જીવન જળ પાઈને મારામાં પ્રાણ પૂર્યાં. હુ તો કરમાઈ ગયો હતો; તેં જ તારા પૂર્ણ કરૂણામય સ્વરૂપની કલમેથી પ્રગટેલાં તારાં સુવચનોના સ્વર્ગીય પ્રવાહથી મને નવપલ્લવિત કર્યો. 
હે દૈવી વિઘાતા! સમગ્ર અસ્તિત્વ તારા જ ઔદાર્યની દેન છે. તારી ઉદારતાના જળથી એને વંચિત ન કર. 
તારા દયાસિંઘુથી એને દૂર ન રાખ. હું તને હંમેશા, કોઈપણ સ્થિતીમાં મારો મદદગાર અને સહાયક બનવા વિનવું છું. તારી કૃપાના સ્વર્ગમાંથી મળે એવા તારા પુરાણપ્રસિદ્વ અનુગ્રહોની ભીખ માગું છું. ખરેખર, તું ઔદાર્યનો સ્વામી અને શાશ્વતીના સામ્રજયનો સાર્વભૌમ શાસક છે.

-Bahá'u'lláh
-----------------------

આઘ્યાત્મિક વિકાસ (#11022)

હે પરમેશ્વર, તારો જયજયકાર કરૂં ! તારા જ બનાવેલા કેટલાક જીવો તારા સત્યનો ઈન્કાર કરે છે. એમણે વરસાવેલી આકરી યાતનાઓ અને અવર્ણનીય દુઃખોનો ભોગ બનેલા તારા મહાનતમ નામના તને સોગંદ આપીને કહું છું કે તું મારા પર એવી  કૃપા કર કે જેથી હું હમેશાં તારું સ્મરણ અને સ્તુતિગાન કરું. આજે જયારે બઘાં તારા સૌદર્યથી વિમુખ થયા છે અને તારા વિશે શંકાઓ દર્શાવે છે, તારા મહાન ઘર્મ સંસ્થાપક તરફ તિરસ્કારપુર્વક પીઠ કરી છે ત્યારે પણ હું તારા જ ગુણ ગાતો રહું. હે મારા નાથ, તને સહાય કરી શકે એવું તારા સિવાય બીજું કોઈ નથી; તારા સામર્થ્યની તુલનામાં આવે એવું તારા પોતાના સામર્થ્ય સિવાય બીજું કંઈ નથી. 
હું તારા પ્રેમમાં મગ્ન રહું, તારૂં સ્મરણ  દ્રઢ બનીને કરતો રહું તેટલું બળ મને આપ. ખરેખર, એ હું કરી શકું તેમ છું અને મારી અંદર જે  કંઈ છે તે બઘુ જાણનારો તું જ છે. ખરેખર, તું બઘુ જાણે છે, બઘાથી વાફેક છે. હે પ્રભુ તારા મુખચંદ્રની આભાથી મને વંચિત ન કર. એના થકી જ સમગ્ર વિશ્વ પ્રકાશે છે. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સર્વશ્રેષ્ઠ શકિતશાળી, સર્વદા કરૂણાવાન અને સર્વથા ક્ષમાવાન છે.

-Bahá'u'lláh
-----------------------

આઘ્યાત્મિક વિકાસ (#11023)

હે તાત, તારી નિકટતામાં રહેવાના મારા ઓરતા છે. તારા સાક્ષત્કારની મને આશા છે. તારૂં નામ જપતા રહેવાની મારી ઈચ્છા છે. તારા મહિમામય દરબારમાં પહોચવાનો મારો ઉદે્શ છે. તારૂં ઘામ મારૂં લક્ષ્યસ્થાન છે. તારૂં નામ મારું આરોગ્ય છે. તારો પ્રેમ મારા હૈયાને અજવાળે છે. મારી મહેચ્છા એક જ છે, તારી સેવા કરૂં! હે કૃપાસાગર, જે ભકતોએ તારૂં નામ લીઘું તેમને તેં જ્ઞાનનાં ઊંચામાં ઊંચા શિખરોને આંબવામાં મદદ કરી અને તારા પવિત્ર અનુગ્રહોના દરબારમાં શ્રદ્વાપૂર્વક તારી પૂજા કરવા દીઘી, એજ નામ હું ઉચ્ચારું છું. મને પણ મદદ કર અને મને તારું મુખારવિંદ જોવા દે, તારી આંખમાં મારી આંખ મિલાવવા દે, તારા ગુણ ગાવા દે. 
હે નાથ, હું તો તારા સિવાય બઘું ભૂલી ગયો છું તારી કૃપાના પાવન ઝરણા તરફ મેં ડગ માંડયાં છે. 
તારા દરબારમાં પહોચવાની આશાએ તારા સિવાયનું સઘળું છોડી ચૂકયો છું. તો હે દીનબંઘુ, મારી આંખો તારા મુખમંડળના ઓજસથી દીપી ઊઠેલા તારા સિંહાસન પર મંડાયેલી હોય ત્યારે મને ગ્રહણ કરી લે. હે મારા વલ્લભ, પછી, દ્રોહીઓ મને તારા તરફ જતાં રોકી ન શકે તે માટે તારા દ્વારા પ્રબોઘિત ઘર્મમાં અચળ રહી શકું એવી શકિતનું મારા ઉપર વર્ષણ કર. તુંજ ખરેખર સર્વસામર્થવાન, સંકટવિમોચન, કીર્તિવંત અને સર્વશકિતમાન પરમાત્મા છે.

-Bahá'u'lláh
-----------------------

આઘ્યાત્મિક વિકાસ (#11024)

હે પરમ કૃપાળુ, તારું મુખારવિંદ મારી ભકિતનું લક્ષ્ય છે, તારૂં સૌદર્ય મારૂં અભયસ્થાન છે તારું મંગળવિઘાન મારૂં ઘ્યેય છે, તારી સ્તુતિ મારી આશા છે, તારા યમનિયમ મારા સાથી છે, તારો પ્રેમ એ મારા અસિ્તત્વનું કારણ છે, તારા નામનો ઉચ્ચાર મારૂં આશ્વાસન છે, તારૂં સાનિ્નઘ્ય મારી ઈચ્છા છે, તારી ઉપસ્થિત મારી પ્રિયતમ આકાંક્ષા અને સર્વોત્કૃષ્ટ મહત્વાકાંક્ષા છે. હું તને વીનવું છું, હે નાથ, તારા પસંદ કરેલા દાસો માટે તેં જે નકકી કર્યું છે તેનાથી મને વંચિત ન કર. મને આ લોક અને પરલોકમાં જે શ્રેષ્ઠતમ છે તે પ્રદાન કર. 
તું ખરેખર જ, સર્વ મનુષ્યનો રાજા છે. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સદા ક્ષમાવાન અને અતિ ઉદાર છે.

-Bahá'u'lláh
-----------------------

આઘ્યાત્મિક વિકાસ (#11025)

હે મારા સ્વામી, તારા સૌદર્યને મારો આહાર બનાવ, તારી ઉપસ્થિતિને મારું જીવનજળ બનાવ. 
તારાં આનંદને મારી આશા, તારા સ્મરણને મારો સાથી, તારા સાર્વભૌમ સામર્થયને મારો સહાયક બનાવ. હે નાથ, તારા ઘામને મારૂં ઘર બનાવી દે, મારા ઘરને તારૂં એવું આસન બનાવી દે કે જેને તેં તારાથી એક પડદા દ્વારા દૂર રહેતા હોય એમના ઉપર નિષેઘો લગાડીને પવિત્ર બનાવ્યું હોય.  
તું ખરેખર સર્વશકિતમાન, પૂર્ણ ગરિમામય અને પૂર્ણ સામર્થવાન છે.

-Bahá'u'lláh
-----------------------

આઘ્યાત્મિક વિકાસ (#11018)

હે ઈશ્વર, મારા નાથ, મારા પ્રાણપ્રિય, મારા હૃદયની અભિલાષા.

-The Báb
-----------------------

આઘ્યાત્મિક વિકાસ (#11019)

શું પરમાત્મા સિવાય સંકટોને દૂર કરનાર અન્ય કોઈ છે ? કહી દોઃ એક માત્ર પરમાત્મા જ સ્તુત્ય છે! તે જ છે પરમાત્મા! સર્વ તેનાં સેવકો છે, અને તેની જ આજ્ઞાના બંઘનમાં છે!

-The Báb
-----------------------

આઘ્યાત્મિક વિકાસ (#11020)

બોલો  ઈશ્વર સચરાચરમાં છે. સ્વર્ગમાં કે પુથ્વીમાં એવો એક પણ કણ નથી કે જેમાં ભગવાનનો વાસ ન હોય ખરેખર એ પોતે જ જ્ઞાતા, પાલક અને સર્વશકિતમાન છે.

-The Báb
-----------------------

આઘ્યાત્મિક વિકાસ (#11056)

હે ભગવાન,મારા આત્માને નવસ્ફૂર્તિ અને હષર્લ્લાસથી ભરી દે. મારા અંતઃકરણને શુદ્ધ કરી દે. મારા મનને આલોકિત કરી દે. હું મારા સઘળાં કાર્યો તારા જ કરકમળોમાં સુપ્રત કરુ છું તું મારો પથદર્શક છે, મારો આશ્રય છે. હવેથી હું દુઃખી અને ઉદાસ નહિ રહું, હું સુખી અને આનંદિત રહીશ. હે પ્રભુ! હું હવે થી ચિંતામગ્ન નહિં રહું, કષ્ટોથી મુજાઈ નહિ જાઉં, હું જીવનની અપિ્રય વાતો પર મારું મન લગાવીશ નહિ . હે પરમાત્માં! તું મારા પોતાના કરતાં પણ વઘારે મારો મિત્ર છે. હે નાથ, હું મારી જાત તને    સમર્પણ કરું છું.

-`Abdu'l-Bahá
-----------------------

આઘ્યાત્મિક વિકાસ (#11057)

હે નાથ! અમે નિર્બળ, છીએ અમને બળ આપ. હે પ્રભુ! અમે અજ્ઞાની છીએ; અમને જ્ઞાન આપ. હે સ્વામી અમે દરિદ્ર છીએ; અમને શ્રીમંત બનાવ. હે ઈશ્વર, અમે નિષ્પાણ છીએ; અમને ચેતના આપ. હે જગનિ્નયતા! અમે સ્વયં હીનતાની મૂર્તિ છીએ; અમને તારા સામ્રરાજયમાં ગૌરવ આપ. હે જગન્નાથ! તું સહાય કરીશ તો અમે પણ તેજસ્વી તારા બનીશું તું સહાય નહિ કરે તો અમે રસાતાળે જઈશુ. હે સ્વામી! અમને બળવાન બનાવ. હે પરમેશ્વર! અમને વિજય અપાવ. હે પરમાત્મા! અમને અમારા અહંને જીતવા અને અમારી વાસનાઓને વશમાં રાખવામાં સહાય કર. હે તાત! અમને ભૌતિક દુનિયાનાં બંઘનોમાંથી મુકિત અપાવ. હે નાથ! અમે તારી સેવા માટે કટિબદ્ધ થઈએ, તારી ભકિતમાં લીન થઈએ, અંતઃકરણપૂવક તારા સામ્રરાજયમાં પહોંચવાના પ્રયાસ કરીએ, તે માટે તારા પવિત્ર પ્રાણનો સંચાર કરીને અમને ચેતના આપ. હે સ્વામી! તું સમર્થ છે. હે ઈશ્વર! તું ક્ષમાવાન છે. હે નાથ! તું કરુણાનો સાગર છે.

-`Abdu'l-Bahá
-----------------------

